Thursday, 26 September 2013

કડાણા જળાશયના ૧૩ ગેટ ૩ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડાયું Sep 24, 2013

                                                                                                                                      મહીસાગર, તા.૨૩
પંચમહાલ-મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું અવિરત આગમન જારી રહેતાં કડાણા જળાશયમાંથી ૧૩ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૮૦ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું. મેઘરાજાના આગમન વચ્ચે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતાં. જોકે મેઘરાજાના આગમનથી ધરતીપૂત્રોમાં ખુશીનો માહોલ જોવાઇ રહ્યો છે.

સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા : ધરતીપૂત્રોમાં પાછોતરા વરસાદથી ખુશીનો માહોલ જોવાયો
ભર ભાદરવે સતત ત્રીજા દિવસે પણ અષાઢી માહોલ જોવાયો હતો. વરસાદના અવિરત આગમનને લઇ રાબેતા મુજબ ધબકતુ જનજીવન ખોરંભાયું હતું. મેઘરાજાએ તબક્કાવાર આગમન કરતાં ગોધરા શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતાં. જ્યારે નદીઓ, કોતરો પણ વહેતી થઇ હતી. સતત વરસાદી આગમનથી ડાંગરના પાકો તેમજ આગામી ઉનાળુ સિઝન માટે ફાયદાકારક હોવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે પરંતુ ખેતરમાં ઊભા કેટલાક મોલમાં નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. સોમવારે પણ મેઘરાજા આગમન જારી રાખતાં કડાણા જળાશયમાંથી નવ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૬૧ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીની આવક ૮૦ હજાર ક્યુસેક નોંધાઇ હતી. જેથી ડેમ સૂત્રોએ રૂલ લેવલ સપાટી જાળવી રાખી પાણી છોડયું હતું. ડેમની ભયજનક સપાટી ૧૨૭.૭૧ મીટર સપાટી છે. જ્યારે હાલની સપાટી ૧૨૭.૪૩ મીટરે પહોંચી છે. જોકે સોમવારે કડાણા પંથકમાં મેઘરાજાની એન્ટ્રી તબક્કાવાર જારી રહી હતી પરંતુ સર્જીત વાતાવરણથી મેઘરાજાના વધુ આગમનની છડી જોવાઇ હતી. બંને જિલ્લાઓમાં સતત વરસાદી આગમન વચ્ચે ચોમાસાનો માહોલ જોવાયો હતો.

પંચમહાલ-મહીસાગર જિલ્લામાં વરસાદી પ્રમાણ આ મુજબ છે કાલોલ૨૫ મી.મી, કડાણા ૨૦ મી.મી, લુણાવાડા    ૩૦ મી.મી., ઘોઘંબા ૨૦ મી.મી., હાલોલ ૫ મી.મી., સંતરામપુર ૮ મી.મી. વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વરસાદના આંકડા સાંજે ચાર વાગ્યા સુધીના છે. પાનમ ડેમમાંથી બે ગેટ ચાર ફૂટ સુધી ખોલી ૧૯ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. ડેમમાં પાણીની આવક ૧૩ હજાર ક્યુસેક છે.

0 comments:

Post a Comment