દશ દશ દિવસના મોંઘેરા મહેમાન દુંદાળા દેવ ૧૦૦૦ પ્રતિમાઓની પંચમહાલ- મહીસાગર જિલ્લામાં વિવિધ સ્થળે વિધિવત્ સ્થાપના કરવામાં આવી છે. જિલ્લાના ગોધરામાં શ્રીજી પાંચ દિવસનું આતિથ્ય માણશે. વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાના પાવન પર્વ નિમિત્તે વિવિધ થીમ અને ડેકોરેશન સાથે શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવના મંગલમય પ્રારંભ સાથે ચારેકોર શ્રીજી વંદના ધૂન વચ્ચે વાતાવરણ ગણેશમય બની ગયુ છે. બીજી તરફ જૈન મહાપર્વના સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય થતાં જૈન બંધુઓએ સૌને મિચ્છામી દુક્કડમ્ કહેવા સાથે વિઘ્નહર્તા વિશ્વ કલ્યાણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
જૈનોના મહાપર્વ સવંત્સરી અને ગણેશોત્સવનો સુભગ સમન્વય : જૈન બંધુઓએ મિચ્છામી દુક્કડમ કર્યા
ગત વર્ષે આગલા વર્ષે જલ્દી આવવાના કોલ સાથે શ્રીજી પ્રતિમાઓને ભાવભરી વિદાય આપ્યા બાદ છેલ્લા પખવાડીયાથી શ્રીજી સવારીને આવકારવાના થનગનાટ બાદ ગણેશ ભકતોએ સોમવારે વિઘ્નહર્તા શ્રીજી પ્રતિમાઓની સ્થાપના સાથે પૂજન અર્ચન કર્યુ હતું. દશ દશ દિવસના મોંઘેરા મહેમાન બની પધારેલા શ્રીજી સાથે સાથે ગણેશ મંડળોએ વિવિધ થીમ થકી સમાજને સંદેશ પહોંચાડવાના પ્રયાસ સાથે આકર્ષક ડેકોરેશનથી પંડોલા સજાવ્યા છે. રવિવારની મોડી રાત્રી સુધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધા બાદ સોમવારે શુભ મુર્હૂતમાં શાસ્ત્રોકત વિધી અનુસાર શ્રીજી પ્રતિમાઓનુ પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવી હતી. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નાના- મોટા મળી ૧૦૦૦ શ્રીજી પ્રતિમાઓની વિવિધ સ્થળે સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ ચોતરફ ગણેશમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં પ્રથમ દિવસથી જ મોડી રાત્રી સુધી વિવિધ સ્વરૂપે બિરાજેલા શ્રીજીના દર્શનાર્થે ભાવુકોની ભીડ જોવા મળી હતી.
0 comments:
Post a Comment