તા. ૬
પંચમહાલ- મહીસાગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ધારાસભ્યો અને કાર્યકરોએ કમર કસી સવારથી દુકાનો, શાળાઓ બંધ કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પોલીસ દ્વારા સતત બંદોબસ્ત જારી રાખી આ પ્રયાસો નાકામીયાબ બનાવાયા હતા અને ગોધરા, સંતરામપુર અને લુણાવાડાના ત્રણ ધારાસભ્યો સહિત કોંગ્રેસી કાર્યકરો મળી ૧૨૦ ઉપરાંતને ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેને લઈ જનજીવન યથાવત રોજીંદા ક્રમ મુજબ ધબકતુ રહેવા સાથે ગુજરાત બંધના એલાનને નહીંવત સફળતા પણ પ્રાપ્ત થઈ નહોતી.
દુકાનો- શાળાઓ બંધ કરાવવા કોંગ્રેસી ધારાસભ્યો- કાર્યકરોના પ્રયાસો પોલીસે નિષ્ફળ બનાવ્યા
- કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર સામે ભ્રષ્ટાચાર, ડી જી વણઝારાનો સ્ફોટક પત્ર જેવા વિવિધ મુદ્દે શુક્રવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. કોંગ્રેસનું એલાન વર્તમાન સરકાર માટે પ્રતિષ્ઠાના જંગ સમુ સાબિત થયું હતું. કોંગ્રેસ દ્વારા બંધના એલાનને સફળ બનાવવા તથા આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની બેઠક યોજવા સાથે પૂતળા દહનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે જ શુક્રવારે સવારથી ગુજરાત બંધના એલાનને સફળ બનાવવાના ભાગરૂપે ગોધરા સહિત તમામ શહેરોમાં હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દુકાનો- શાળાઓ બંધ કરી બંધના સમર્થન અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા પણ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ જારી રાખી કોંગ્રેસ કાર્યકરોને ડીટેઈન કરી દુકાનો બંધ કરાવવાના પ્રયાસોને અટકાવાયા હતા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી, લુણાવાડા ધારાસભ્ય હીરાભાઈ પટેલ, તેમજ સંતરામપુર ધારાસભ્ય જી. એમ. ડામોર અને તમામ શહેરોમાંથી પદાધિકારી તેમજ કાર્યકરો મળી પોલીસે ૧૨૦ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાનને પંચમહાલ- મહીસાગર જિલ્લામાં નહીંવત કહી શકાય એટલી પણ સફળતા સાંપડી નહોતી. માત્ર ઘોઘંબામાં કેટલાક વેપારીઓ દ્વારા સ્વયં જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. જો કે આ બાબતને સત્તાવાર સમર્થન મળી શકયુ નહોતૂં. પંચમહાલ- મહીસાગર જિલ્લામાં ધંધા રોજગાર અને એસટી બસ શાળા, કોલેજો તમામ રાબેતા મુજબ કાર્યરત રહ્યુ હતું. કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને સફળ બનાવવા કાર્યકરો અને પદાધિકારીઓએ કમર કસી પ્રયાસો આદર્યા હતા. બીજી તરફ વર્તમાન સરકાર અને ભાજપાના પ્રતિષ્ઠાના જંગ રૂપી પડકારને પહોંચી વળવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનું પરિણામ સત્તારૂઢ સરકારને તમામ વહેવારો રાબેતા મુજબ ચાલુ રહેતા સાંપડયુ હતું.
0 comments:
Post a Comment