Tuesday 20 August 2013

'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે

'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે


 
'મહી સાગર’ના આરે નવો જિલ્લો, ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે
ચરોતરમાં ૧૯૯૭નું એક્શન રિપ્લે થશે

ખેડાના પ તાલુકાના સમાવેશની શક્યતા

ગળતેશ્વર-ફાગવેલને પણ તાલુકાનો દરજ્જો

કાંઠાગાળાના ગામડાંઓને પ્રાધાન્ય અપાશે

ખેડા જિલ્લાનું વિભાજન કરવાની દિશામાં કવાયત

કેબિનટ બેઠકમાં મુસદ્દો તૈયાર કરી દેવાયો હોવાની ખેડા જિલ્લા ભાજપ પ્રમુખની નડિયાદમાં ઘોષણા


ખેડા જિલ્લાનું ૧૯૯૭માં વિભાજન થયા બાદ પુન: બીજી વખત ૨૦૧૨માં વિભાજન થયુ છે અને નવો જિલ્લો મહી સાગર બનાવી દેવાયો છે. સાથે-સાથે ફાગવેલ અને ગળતેશ્વરને તાલુકાનો દરજ્જો આપવાનો નિર્ણય મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી મીટિંગમાં લેવાયો હોવાનું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહે જણાવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી પ્રજાજનોની માગણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લા તેમ જ પંચમહાલ જિલ્લાના તાલુકાઓ ભેગાં મળીને નવો જિલ્લો મહી સાગર બનશે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ બિમલભાઈ શાહે જણાવ્યું હતું કે 'ખેડા જિલ્લામાં આવેલા બાલાસિનોર, વિરપુર, સેવાલિયા સહિ‌ત મહીકાંઠાના પૂર્વ ગાળાના ગામડાંની પ્રજાને ખેડાની જિલ્લા કક્ષાની કચેરીએ આવવું પડતું હતું. તેઓના નાણાં અને સમયનો પણ વ્યય થતો હતો.તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈને થોડાક સમયથી જિલ્લાકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના છેવાડાના તાલુકાઓ તથા પંચમહાલના તાલુકાઓને ભેગાં કરીને એક મહી સાગર જિલ્લો બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતના આધારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને બુધવારે બપોરે કેબીનેટની મીટિંગમાં નિર્ણય લેવાયો હતો.’

વધુમાં તેઓએ કહ્યું હતું કે 'નવા મહી સાગર જિલ્લામાં પાંચ તાલુકા હશે. ખેડા જિલ્લા અને પંચમહાલ જિલ્લાના છેવાડાના લોકમાતા મહી સાગર નદી આસપાસનાં ગામડાઓનો સમાવેશ કરીને નવો જિલ્લો બનાવાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.’

જિલ્લાકક્ષાની તમામ સુવિધાઓ મળશે

દૂરના અંતરિયાળ ગામડાઓનો વિકાસ હવે વધુ ઝડપી બનશે અને નવા તાલુકાઓ બનતાં મામલતદાર કચેરી, જિલ્લો બનતાં કલેક્ટર કચેરી સ્થાનિક કક્ષાએ બનશે. જિલ્લાકક્ષાના તમામ લાભો તથા વિકાસના કામોની સાથે વિશેષ ગ્રાન્ટ પણ તેઓને મળશે.-બિમલ શાહ, પ્રમુખ, ખેડા જિલ્લા ભાજપ

૧૨૦ કિલોમીટરનું અંતર કાપવુ નહીં પડે

આ સંદર્ભે સ્થાનિક અગ્રણી નાથાભાઈ પરમારે જણાવ્યું હતું કે 'પહેલાં અમારે વિરપુર તાલુકાના લીંબરડા ગામેથી નડિયાદ કચેરીના કામ અર્થે જવા માટે ૧૨૦ કિ.મી.નું અંતર કાપવુ પડતું હતું. હવે નવો જિલ્લો બનતાં અમારે ૨૦-૨પ કિલોમીટરના અંતરમાં જ જિલ્લા કલેક્ટર કચેરીનો લાભ મળી શકશે.’

ગળતેશ્વર અને ફાગવેલ નવા તાલુકા

મહી સાગર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. સાથે-સાથે ખેડા જિલ્લાના યાત્રાધામ ગળતેશ્વર અને ફાગવેલ નવા તાલુકા પણ બનશે. કપડવંજ અને કઠલાલ તાલુકાના કેટલાક ગામડાઓ ભેગાં કરીને ફાગવેલ તાલુકો, જ્યારે ઠાસરા તાલુકાના ગામડાઓમાંથી ગળતેશ્વર તાલુકો બનાવવામાં આવશે.

નવા જિલ્લાની જાહેરાત પૂર્વે જ ઉત્સવ ઉજવાયો

ખેડા જિલ્લામાંથી વિભાજિત થઈને નવો જિલ્લો મહિ‌સાગર બનાવવામાં આવતાં વિરપુર, બાલાસિનોર તેમ જ સેવાલિયા વિસ્તારના ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અબીલ ગુલાલ ઉડાડીને ઉત્સવ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ તથા અન્ય અગ્રણીઓ પણ મોટીસંખ્યામાં જોડાયા હતા.

લોકમાતાના નામ પરથી ત્રીજો જિલ્લો બનશે

નર્મદા જિલ્લો
તાપી જિલ્લો
મહી સાગર જિલ્લો

ક્યા ક્યા તાલુકાના સમાવેશની શક્યતા

નવા મહી સાગર જિલ્લામાં ખેડા જિલ્લામાંથી ફાગવેલ, સેવાલિયા, ગળતેશ્વર(ઠાસરા), બાલાસિનોર અને વિરપુર ઉપરાંત પંચમહાલના અમૂક તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

0 comments:

Post a Comment